Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દિલરૂબા દિલની લઇ તેમાં તમારી પ્રીત,
ભરીને કૈં દિવસથી ગાઇ રહ્યો છું ગીત.

અવનવા આલાપમાં આરાધતાં તમને
વિચરતો આ વિશ્વમાં દિનરાત મૂક મને.

તમારી પ્રતિમા લઇને પ્રાણમાં મારા,
પધાર્યો પૃથ્વી મહીં ભાવો ભરી ન્યારા,

ઉઘાડી છે આંખ ત્યાંથી તમારે માટે,
વહાવ્યો છે સૂર મેં તો શીશને સાટે.

કદી વનમાં તો કદી વસ્તી મહીં વિચર્યો,
કદી ગામ વસ્યો શહેર મહીં વળી વિહર્યો,

તમારી ઇચ્છા મુજબ આનંદતા સઘળે,
કરી પૂજા તમારી શ્રદ્ધા થકી સહેજે.

હર્ષ શોક સહ્યાં, સહ્યાં સંકટ હજારો મેં,
ટાઠ તાપ સહ્યાં, ગણ્યાં ના દર્દ આવ્યાં તે,

તમારી ધૂની જગાવી સ્મિત સદાય કર્યું,
વિષ મળ્યું તો યે શિવ બની સુધાપાન કર્યું.

ભાવભીની હવે તો છે પ્રાર્થના મારી,
સફળ હો આરાધના ને ગત ખરે ન્યારી,

દિલરૂબા જેવો બન્યો છું ઉઠાવો મુજને,
ગીત ગાઓ ધરી દો સંવાદ આ જગને.

- શ્રી યોગેશ્વરજી